ગુજરાતમાં પટેલોનો દબદબો કઈ રીતે વધ્યો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ કઈ રીતે ઘટતું ગયું?

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકોટના રાજવી ઠાકોરસાહેબ માંધાતાસિંહ જાડેજાનો રાજતિલક સમારંભ
  • લેેખક, જય શુક્લ
  • પદ, બીબીસી ગુજરાતી

વાત વર્ષ 1951-52માં યોજાયેલી ભારતની પહેલી ચૂંટણી છે. ભારતની સંભવત: પહેલી ઍજ્યુકેશન સિટી વલ્લભવિદ્યાનગર બનાવનારા ભાઈલાલભાઈ પટેલ એટલે કે ભાઈકાકા કૉંગ્રેસના નેતાઓના વલણથી નારાજ હતા.

તેમણે ભારતની પહેલી ચૂંટણી લડવાનું મન બનાવ્યું. તે વખતે ધારાસભા અને લોકસભાની ચૂંટણી સાથે થતી. ગુજરાત રાજ્ય નહોતું, તે મુંબઈ રાજ્યનો ભાગ હતું. તેઓ મુંબઈ વિધાનસભાની ચૂંટણીમાં આણંદ ઉત્તરથી ઊભા રહ્યા.

કૉંગ્રેસના નેતાઓમાં નિષ્કર્ષ નીકળ્યો કે ભાઈકાકાને હરાવી શકે તેવા માત્ર એક જ ઉમેદવાર હોઈ શકે અને તેમનું નામ છે નટવરસિંહ સોલંકી. તે વખતે આણંદ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષત્રિયોની સંખ્યા 60 ટકા હતી. નટવરસિંહ સોલંકી ક્ષત્રિયસભાના મંત્રી હતા.

ભાઈકાકાની આત્મકથારૂપ સંપાદિત પુસ્તક 'ભાઈકાકાનાં સંસ્મરણો'માં ઉલ્લેખ છે કે “તત્કાલીન કૉંગ્રેસ સરકારે નટવરસિંહ સામે 15 જેટલા કેસો કર્યા હતા. તેમનાં હથિયારો અને મોગર ગામ તથા વાંટાની જમીન પણ જપ્ત કરેલી.”

“ભાઈકાકાને હરાવવા માટે મોરારજી દેસાઈએ સ્થાનિક નેતાગીરીને સૂચના આપી કે નટવરસિંહ સોલંકીને ભાઈકાકા સામે ચૂંટણી લડવા તૈયાર કરો. તેમણે નટવરસિંહ સામેના કેસો પરત કરવાની અને જમીનો પરત કરવાની ખાતરી પણ આપી. આમ ભાઈકાકા પટેલને હરાવવા માટે કૉંગ્રેસે ક્ષત્રિયકાર્ડ ખેલ્યું.”

“નટવરસિંહે અન્ય ક્ષત્રિયો માટે પણ ટિકિટ માગી. કૉંગ્રેસે તેમના સાથી ક્ષત્રિયો માટે વિધાનસભાની ચાર ટિકિટ અને લોકસભાની એક ટિકિટની માગ કરી અને તેમને મળી.”

છેવટે ભાઈકાકા ચૂંટણી હારી ગયા.

આ બાબત બતાવે છે કે તે સમયે ગુજરાતના રાજકારણમાં ક્ષત્રિયોનો કેટલો દબદબો હતો.

તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પહેલાં પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગે વિવાદ થયો હતો.

ગુજરાતમાં પટેલોનું અને ક્ષત્રિયોનું રાજકીય પ્રભુત્ત્વ કેવું રહ્યું છે?

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 24મી ફેબ્રુઆરી, 1948ના રોજ જામનગરના મહેલમાં જ્યારે કાઠિયાવાડ રાજ્યની સ્થાપના કરાઈ ત્યારે રાજ્યપ્રમુખ તરીકે સોગંદ લેતા નવાનગરના જામસાહેબ(પાઘડી પહેરેલા) તથા તેમના મંત્રીમંડળના 6 સભ્યો નજરે પડે છે

આઝાદી બાદ રાજપૂતોના રાજકારણ પર પ્રભાવની વાત કરતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતીને જણાવે છે, “દેશ આઝાદ થયો ત્યારે રાજપૂતોનાં રાજ ગયાં એટલે કૉંગ્રેસે કેટલાક રાજપરિવારના સભ્યોને એમપી કે એમએલએ બનાવ્યા. કેટલાકને અન્ય સરકારી હોદ્દાઓ પણ આપવામાં આવ્યા પણ તેમની સરકાર પર કોઈ પકડ નહોતી.”

તેઓ વધુમાં ઉમેરે છે, “સરદાર પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લીધો તેને કારણે ક્ષત્રિયો કૉંગ્રેસ સાથે જોડાયા, કારણ કે તે નિર્ણય હિન્દુ લાગણી અને અસ્મિતા સાથે જોડાયેલો હતો. પણ પછી જ્યારે 50ના દાયકામાં લૅન્ડ રિફૉર્મ થયા અને તેમની જમીનો જતી રહી ત્યારે તેઓ હિન્દુ મહાસભા કે જનસંઘ અથવા તો રામરાજ્ય પરિષદ જેવા પક્ષો પ્રત્યે આકર્ષાયા.”

માત્ર કાઠિયાવાડમાં જ 200થી વધારે રજવાડાં હતાં. તે પૈકી મહદંશે રાજપૂતોના હતા. પહેલા 'યુનિયન સ્ટેટ ઑફ કાઠિયાવાડ' અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ.

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ યુ. એન. ઢેબર સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા. તેઓ 1948થી 1954 સુધી મુખ્ય મંત્રી રહ્યા. 1951માં તેમણે જમીનદારી પ્રથાને હઠાવવા માટે સૌરાષ્ટ્ર એસ્ટેટ ઍક્વિસિઝન ઍક્ટ 1952 અને સૌરાષ્ટ્ર લૅન્ડ રિફૉર્મ ઍક્ટ અમલી બનાવ્યો, જેનો ઉદ્દેશ જમીન ખેડનારાઓને તેમનો અધિભાગ આપવાનો હતો. જેનો ફાયદો મોટે ભાગે કણબી કે પાટીદારોને થયો હતો.

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારના ફતેસિંહરાવ ગાયકવાડ જેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈને સાંસદ બન્યા હતા

જાણકારો કહે છે કે પટેલો હવે જમીનોના માલિક બન્યા અને તેમનામાં આર્થિક રીતે પરિવર્તન આવ્યું, જ્યારે રાજપૂતોની જમીન ગઈ તેથી તેમની પાછળ પડવાની શરૂઆત થઈ.

ઘનશ્યામ શાહ કહે છે, “રજવાડાં ગયા અને જમીન પણ ગઈ. તેથી ઘણા રાજપૂતો કૉંગ્રેસથી વિમુખ થઈને રાજાજીની સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા.”

ગુજરાત રાજ્ય અલગ પડ્યું અને 1962માં ચૂંટણી થઈ. ભાઈકાકાએ સ્વતંત્ર પાર્ટીમાં પટેલ અને ક્ષત્રિયોને સાથે રાખીને ચૂંટણી લડી. જેમાં કૉંગ્રેસ બાદ સૌથી વધુ 26 બેઠકો તેમની પાર્ટીએ જીતી.

1967માં ગુજરાત વિધાનસભામાં સ્વતંત્ર પાર્ટીની બેઠકો વધીને 66 થઈ. જોકે, 1972માં તેમને એક પણ બેઠક ન મળી.

ઘનશ્યામ શાહ આ વિશે માહિતી આપતા કહે છે, “ક્ષત્રિયો અને પાટીદારો ભેગા તો થયા પણ પછી તેમના વચ્ચે સત્તાનો સંઘર્ષ શરૂ થયો. 68-69માં ઘણા લોકો નવી કૉંગ્રેસમાં જોડાયા. ભાઈકાકા નિરાશ થયા.”

ખામ થિયરીએ કેવી અસર કરી?

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માધવસિંહ સોલંકી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, તત્કાલીન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ નજરે પડે છે

70ના દાયકામાં ચીમનભાઈ પટેલનો ઉદય થયો. જાણકારો કહે છે તે પ્રમાણે ગુજરાતના રાજકારણમાં પટેલ નેતૃત્વનો જે શૂન્યાવકાશ હતો તેને તેમણે ભરવાની કોશિશ કરી. બાબુભાઈ જશભાઈ પટેલ પણ બે વખત મુખ્ય મંત્રી બન્યા. તેઓ સૌમ્ય હતા જ્યારે ચીમનભાઈ પટેલ ઇંદિરા ગાંધી સામે શિંગડાં ભેરવી શકે તેવા નેતા હતા.

1974માં નવનિર્માણનું આંદોલન થયું અને ચીમનભાઈ પદભ્રષ્ટ થયા.

જે પ્રકારનો આરોપ એક સમયે ભાજપ પર લાગતો હતો કે તે ‘વાણિયા-બ્રાહ્મણની પાર્ટી’ હતી તે જ પ્રકારનો આરોપ એક સમયે કૉંગ્રેસ પર પણ લાગતો હતો.

દક્ષિણ ગુજરાતના કૉંગ્રેસના નેતા ઝીણાભાઈ દરજી જ્યારે 1972માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે તેઓ માનતા હતા કે કૉંગ્રેસ પટેલોની સાથે વાણિયા અને બ્રાહ્મણની પાર્ટી છે. આ સમીકરણ તેમને ભરોસાપાત્ર લાગતું નહોતું તેથી તેઓ નવું સમીકરણ લાવ્યા.

આ સમીકરણ હતું ખામ થિયરી. જાણકારો કહે છે કે આ સમીકરણને કારણે ગુજરાતનું રાજકારણ અને સમાજવ્યવસ્થા બદલાયાં, એટલું જ નહીં પરંતુ એકહથ્થું શાસન ભોગનારા સમુદાયો માટે પડકારો પણ ઊભા થયા.

ઝીણાભાઈ દરજીના જ શિષ્ય હતા માધવસિંહ સોલંકી. ચીમનભાઈ પટેલના પાટીદારકાર્ડ સામે તેમણે માધવસિંહ સોલંકીને આગળ કર્યા.

માધવસિંહ સોલંકીના વિરોધીઓ આરોપ લગાવે છે કે રાજકારણમાં ઉચ્ચ જ્ઞાતિઓના પ્રભુત્વને ખતમ કરવા માટે આ સમીકરણ ઘડવામાં આવ્યું હતું. જોકે માધવસિંહ પક્ષે રહેલા લોકોનું માનવું હતું કે તે પાછળ રહી ગયેલા સમાજના ઉત્થાન માટેની પ્રક્રિયા હતી.

તો કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઘણી વાર કહી ચૂક્યા છે કે તેઓ ખામ થિયરીમાં નહીં પણ આમ થિયરીમાં માને છે.

રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “માધવસિંહ સોલંકીની ખામ થિયરીને કારણે ક્ષત્રિય સમાજનો દબદબો વધ્યો.”

ઘનશ્યામ શાહ કહે છે, “1956માં ક્ષત્રિયસભાએ તેમના સમાજ માટે અનામત માગી હતી. 1979માં ઓબીસીમાં કોળી ક્ષત્રિય, બારિયા અને પાટણવાડિયા જેવા ક્ષત્રિય સમુદાયનો સમાવેશ કરવાની વાત થઈ.”

1985માં અનામત નીતિમાં પરિવર્તન લાવવાને કારણે રાજ્યમાં અનામતવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં.

ભલે ખામ થિયરીને કારણે કૉંગ્રેસે ક્ષત્રિયોને પડખે લીધા હતા પરંતુ અનામતને કારણે તેઓ વિમુખ થયા. પટેલો પહેલાંથી જ ખામ થિયરીને કારણે પોતાને અળગા થયા હોવાનું અનુભવતા હતા.

પટેલ સમાજના આગેવાન તથા ભાવનગર ડાયમન્ડ ઍસોસિયેશનના પ્રમુખ અને ઉમા-ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ ગોરસિયા બીબીસીને જણાવે છે, “ખામ થિયરીને કારણે જ પટેલો કૉંગ્રેસથી વિમુખ થયા અને તેમણે કેશુભાઈ પટેલને નેતા બનાવ્યા.”

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સુરતના વરાછા રોડ પર આવેલો માનગઢ ચોક

જાણકારો કહે છે કે પટેલ અને ક્ષત્રિયો વચ્ચેના સંઘર્ષનો એક બનાવ ભાવનગરના માનગઢમાં જોવા મળ્યો. અહીં 1980ના દાયકાની શરૂઆતમાં ત્રણ રાજપૂતોની હત્યા થઈ. જેમાં 20 આરોપીઓ પાટીદાર હતા, તેઓ જેલ બહાર આવી ગયા હતા.

બે વર્ષ બાદ પાટીદાર સમુદાયના 10 લોકોને રાજપૂત સમાજના એક યુવાને મારી નાખ્યા.

ઘનશ્યામભાઈ ગોરસિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, “માનગઢ પટેલોનું ગામ હતું અને તેની બાજુમાં આવેલું ચોમલ ગામ દરબારોનું હતું. દરબારની હત્યાનો બદલો લેવા માટે ચોમલ ગામમાંથી પસાર થતા પટેલો પર દરબાર જ્ઞાતિના એક માથાભારે શખસે ગોળીબાર કર્યો. તેના પડઘા એટલા પડ્યા કે આખો પટેલ સમાજ એક થઈ ગયો.”

ઘનશ્યામ શાહ કહે છે, “સુરતમાં વરાછા રોડ પર આજે પણ માનગઢ ચોક છે જ્યાં આ હત્યાકાંડના વિરોધમાં તે વખતે સભા થઈ હતી. પટેલોએ જોરદાર વિરોધ કર્યો અને આંદોલન કર્યું. રાજપૂતો સામેનો એ સંઘર્ષનો અંડરકરન્ટ આજે પણ રૂપાલા વિવાદમાં જોવા મળે છે.”

જાણકારો કહે છે કે પટેલો એક થયા તેનો ફાયદો ભાજપને થયો. માધવસિંહ સોલંકીની ખામ થિયરીને કારણે પહેલેથી જ પટેલો કૉંગ્રેસથી અળગા થયા હતા.

1988માં 15મી ઑગસ્ટે ગોંડલમાં સત્તારૂઢ પક્ષના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની અનિરુદ્ધસિંહ જાડેજાએ હત્યા કરી નાખી. અનિરુદ્ધસિંહ જાડેજા મહીપતસિંહ જાડેજાના પુત્ર હતા. મહીપતસિંહ પણ ધારાસભ્ય બનવા માગતા હતા પરંતુ પોપટભાઈ તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષા આડે આવતા હતા.

દરમિયાન ભાજપમાં કેશુભાઈ પટેલ પાટીદાર નેતા તરીકે ઊભરી આવ્યા, સાથે અનામતવિરોધી આંદોલનને કારણે ક્ષત્રિય સમાજ પણ ભાજપ તરફ આકર્ષાયો હતો.

રામજન્મભૂમિ આંદોલનની પણ અસર

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રામજન્મભૂમિ આંદોલન વખતે ગુજરાત પ્રદેશ ભાજપની બેઠકને સંબોધિત કરતા લાલકૃષ્ણ અડવાણી

એવામાં ભાજપે રામજન્મભૂમિ આંદોલન શરૂ કર્યું. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી. જાણકારો કહે છે કે સોમનાથના જીર્ણોદ્ધાર વખતે રાજપૂતોમાં જે હિન્દુ લાગણીઓ જાગૃત થઈ હતી તે જ પ્રકારની લાગણીઓ આ આંદોલનને કારણે ઝંકૃત થઈ.

ઘનશ્યામ શાહ કહે છે, “ભાજપે જ્યારે રામજન્મભૂમિ આંદોલન શરૂ કર્યું ત્યારે હિન્દુ સેન્ટિમેન્ટ્સ હોવાને કારણે ક્ષત્રિયો ભાજપ સાથે જોડાયા. તેમને વિકલ્પ મળી ગયો. જોકે, પટેલોનું ભાજપમાં પ્રભુત્વ વધ્યું અને ક્ષત્રિયોની પકડ ઓછી થઈ. ભાજપે એક પણ ક્ષત્રિય મુખ્ય મંત્રી આપ્યા નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાલ પહેલાંની સરકારમાં શિક્ષણખાતું આપ્યું હતું અને પ્રદીપસિંહ જાડેજાને ગૃહરાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, પણ તે સિવાય રાજપૂતોને કોઈ મહત્ત્વનાં ખાતાં નથી અપાયાં . આજે પણ પાવરફૂલ પૉર્ટફોલિયો પટેલ લોકો પાસે જ છે.”

હાલની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બળવંતસિંહ રાજપૂત એક જ રાજપૂત સમાજના મંત્રી છે જ્યારે પટેલ મંત્રીઓની સંખ્યા વધારે છે.

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, @Balwantsinh99

ઇમેજ કૅપ્શન, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રાજપૂત સમાજના મંત્રી બળવંતસિંહ રાજપૂત

ઘનશ્યામ શાહ કહે છે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહ પાટીદારોને ખુશ કરવાની એક પણ તક છોડતા નથી તેથી જ તેમની પટેલો પર પકડ છે, કારણ કે પટેલો પાસે ઇકૉનૉમિકલ પાવર પણ છે, એનઆરઆઈ પાવર પણ છે, સામાજિક સંગઠનોનો પાવર પણ છે જ્યારે ક્ષત્રિયોમાં એવું નથી. ખોડલધામ જેવું ક્ષત્રિયોનું કોઈ મજબૂત સંગઠન નથી.”

વરિષ્ઠ પત્રકાર સુનીલ જોશી કહે છે, “આઝાદી પછી બદલાયેલા પ્રવાહોમાં સમય સાથે તાલ મેળવવામાં રાજપૂતો સફળ ન થયા. તેમને યોગ્ય નેતાગીરી ન મળી. એવું નહોતું કે આઝાદી મળ્યાના શરૂઆતના સમયમાં તેમનું રાજકીય પ્રભુત્વ નહોતું. ઘણા રાજવી પરિવારોના સભ્યોને કૉંગ્રેસે એમપી કે એમએલએ બનાવ્યા હતા. પરંતુ આગળ જતાં જ્ઞાતિનાં સમીકરણો સાથે સ્પેસ અને પૅસ એમ બંને મેળવવાનું ક્ષત્રિયો ચૂકી ગયા.”

“હવે લોકશાહીનું નવું સ્વરૂપ આવી ગયું છે. તેમનામાં પૉલિટિકલ એન્ટરપ્રાઇઝનું વલણ નથી. રાજકીય ચોપાટમાં જે પ્રવાહિતા હોવી જોઈએ તે તેમનામાં નથી. જે પટેલોમાં સંપ હતો તે કદાચ ક્ષત્રિયોમાં નહોતો.”

“ક્ષત્રિયોમાં વિરાસત અને પરંપરા હતી સાથે શૌર્ય પણ હતું, પણ રાજકીય ક્ષેત્રે અન્ય સમાજના લોકોને સાથે લઈને ચાલવાની પ્રવૃત્તિ કેળવી ન શક્યા. ”

“આ સોશિયલ એન્જિનિયરિંગનું રાજકારણ છે તેમાં ક્ષત્રિયોનું બૅલેન્સ જળવાતું નથી.”

શું કહેવું છે ક્ષત્રિય સમાજના આગેવાનોનું?

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, રતનપર ખાતે ભાજપના ઉમેદવાર રૂપાલાનો વિરોધ કરવા મળેલા ક્ષત્રિય સમાજના મહાસંમેલનની તસવીર

ક્ષત્રિય સમાજના આગેવાન પણ એ બાબતે સંમત થાય છે કે પટેલો જેવી એકતા તેમના સમાજમાં નથી.

રાજકોટમાં કરણીસેનાના ઉપપ્રમુખ કૃપાલસિંહ ઝાલા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “ક્ષત્રિય સમાજને ટિકિટ મામલે અન્યાય થાય તો પણ એ રસ્તા પર ઊતરતો નથી.”

તેઓ જોકે ઉમેરે છે, “વ્યક્તિગત રાજકીય પ્રભુત્વ છે પરંતુ તેનું યોગ્ય આકલન નથી થયું.”

સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાન શૈલેન્દ્રસિંહ રાણા કહે છે, “પદ્માવત ફિલ્મ વખતે સમાજ ભેગો થયો હતો અને હવે રૂપાલાની વિવાદિત ટિપ્પણી મામલે સમાજ ભેગો થયો છે, પરંતુ આ સિવાય સમાજે તેનું શક્તિપ્રદર્શન ક્યારેય કર્યું નથી.”

રૂપાલાની વિવાદિત ટિપ્પણી મામલે ચાલી રહેલા વિરોધની આગેવાનીમાં સામેલ પદ્મિનીબા વાળાએ આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, “હું ભાજપ અને કૉંગ્રેસના રાજકારણમાં નથી પડવા માગતી, અમારી લડાઈ સ્ત્રી સ્વાભિમાનની છે. તેને કેટલાક લોકોએ ભાજપ-કૉંગ્રેસ અને રાજપૂત-પટેલ વચ્ચેની લડાઈ બનાવી દીધી, જે સદંતર ખોટું છે.”

ભાજપ અને કૉંગ્રેસે શું કહ્યું?

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી તથા કૉંગ્રેસ અને ભાજપ એમ બંનેમાં કામ કરી ચૂકેલા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા

ભાજપના કોઈ નેતા આ મામલે કશું કહેવા માગતા નથી, પણ પરશોત્તમ રૂપાલાએ ફરી એક વાર ક્ષત્રિય સમાજને સમર્થન આપવા અપીલ કરી છે.

ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ મોરબીમાં યોજાયેલી એક સભામાં કહ્યું કે "આ વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મંચ પર બેસીને ભાજપને સમર્થન કર્યું છે."

રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી કે "નાની મોટી વાતને દરગુજર કરીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ક્ષત્રિયો પણ સાથે જોડાય."

તો સામે કૉંગ્રેસ સાથે જોડાયેલા રાજપૂત સમાજના નેતાઓ આરોપ લગાવે છે કે ભાજપના રાજમાં રાજપૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ યુવા પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષના ભાજપના રાજમાં રાજપૂતોનું વર્ચસ્વ ઘટ્યું છે.”

અમે તેમને પૂછ્યું કે ગુજરાત કૉંગ્રેસે રાજપૂત સમાજના આગેવાનોને કેટલું સ્થાન આપ્યું છે?

જવાબમાં હરપાલસિંહે જણાવ્યું, “અમારા પ્રદેશ પ્રમુખ રાજપૂત સમાજમાંથી આવે છે. હું યુવા પ્રમુખ છું અને હું પણ રાજપૂત સમાજમાંથી આવું છું. અમે ગત વિધાનસભાની ચૂંટણીમાં 182 પૈકી 25 બેઠકો ક્ષત્રિયો નેતાઓને ફાળવી હતી. જોકે હવા પક્ષ તરફ નહોતી તેથી તેનો ફાયદો પક્ષને નહોતો થયો, પરંતુ ભાજપમાં ક્ષત્રિય નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે.”

જોકે તેમણે એમ પણ કહ્યું કે કૉંગ્રેસ તમામ સમાજને સાથે લઈને ચાલે છે.

રૂપાલા, રાજપૂત અને ભાજપ

ઇમેજ સ્રોત, shaktisinhgohil.com

ઇમેજ કૅપ્શન, ભાવનગર જિલ્લાના લીમડાના રાજવી પરિવારના સભ્ય અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ

વાંકાનેર રાજવી પરિવારના સદસ્ય અને ભાજપના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આ મામલે કોઈ પણ વધુ ટિપ્પણી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને પ્રશ્ન પૂછ્યો કે શું રાજ્યમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે?

તો તેમનો જવાબ હતો, “ભાજપ જ્ઞાતિવાદમાં માનતો નથી.”

તમામ પ્રશ્નોનો તેમણે એક જ વાક્યમાં જવાબ આપ્યો, “વ્યક્તિગત રીતે હું માનું છું કે જે યોગ્ય વ્યક્તિ છે તેમને યોગ્ય જગ્યા મળવી જોઈએ.”

કેસરીદેવસિંહના દાદા અને પિતા કૉંગ્રેસના નેતા હતા.

એક સમયે ભાજપના પ્રદેશ ભાજપના પ્રમુખ રહી ચૂકેલા અને ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્રસિંહ રાણાને જ્યારે અમે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે "હું હાલ ભાજપમાં કોઈ હોદ્દો ધરાવતો નથી તેથી આ મામલે કંઈ નહીં કહી શકું."

જોકે વાતવાતમાં તેમણે કબૂલ્યું, “આઝાદી સમયે રાજપૂતોનો રાજકારણમાં દબદબો હતો અને આજે તેમનું પ્રભુત્વ ઘટ્યું છે.”

અમે જ્યારે તેમને કારણ પૂછ્યું તો તેમણે ઉત્તર આપતા જણાવ્યું, “હમણાં જાતિગત રાજકારણનું ચલણ છે. જેમના મત વધારે તેમનું પ્રભુત્વ. એટલે સ્વાભાવિક છે કે મતોના રાજકારણમાં તેમનું પ્રતિનિધિત્વ ઘટ્યું હોય. એક સમયે કૉંગ્રેસમાં જ નહીં પરંતુ ભાજપમાં પણ ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ હતું.”

રાજનીતિમાં રાજપૂતોનું પ્રભુત્વ

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, @Sunil_Deodhar

ઇમેજ કૅપ્શન, વાંકાનેર રાજવી પરિવારના સદસ્ય કેસરીદેવસિંહ ઝાલા જેઓ ભાજપના રાજ્યસભાના સાંસદ છે

ક્ષત્રિયોમાં ઘણી પેટાજ્ઞાતિઓ છે. ગરાસિયા રાજપૂત, કાઠી દરબાર, કારડિયા, નાડોદા, ગુજ્જર, જાગીરદાર, પાલવી, બારૈયા અને ઠાકોર તથા કોળી ક્ષત્રિય.

ક્ષત્રિય ઠાકોરમાં પરમાર, ચૌહાણ, ખાખરિયા, ગુજરવાડિયા, સોલંકી, ચાવડા, રાઠોડ, મકવાણા, ઝાલા, વાઘેલા, પઢિયાર, ડાભી અને જાદવ વગેરેનો સમાવેશ થાય છે.

રાજ્યમાં જિલ્લાની ડેમોગ્રાફી જોવા જઈએ તો ગુજરાતમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ અને રાજકોટ તથા આણંદમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે.

ગરાસિયા રાજપૂતોની વસ્તી ગુજરાતમાં કુલ વસ્તીના 6 ટકા છે અને તેમાં અન્ય ક્ષત્રિયોને જો મેળવવામાં આવે તો તેમની વસ્તી 17 ટકાની આસપાસ થાય છે. પટેલોની વસ્તી રાજ્યની કુલ વસ્તીના 12 ટકા છે.

સૌરાષ્ટ્રમાં 200થી વધારે રજવાડાં પૈકી ઘણા રાજવી પરિવારના સભ્યો કૉંગ્રેસમાં હતા. રાજકોટના રાજવી પરિવારના મનોહરસિંહ જાડેજા કૉંગ્રેસની સરકારમાં આરોગ્ય અને નાણમંત્રાલય જેવાં ખાતાં સંભાળી ચૂક્યા હતા. તેમના પુત્ર માંધાતાસિંહ આજે ભાજપમાં સામેલ થઈ ગયા છે.

પોરબંદર, ઢસા, વાંકાનેર અને ધ્રાંગધ્રાના રાજવીઓ પણ એક સમયે કૉંગ્રેસમાં સક્રિય હતા. વાંકાનેરના પ્રતાપસિંહ પણ રાજનીતિમાં હતા. તેમના પુત્ર દિગ્વિજયસિંહ ઝાલા રાજ્ય સરકારમાં બે વાર મંત્રી રહી ચૂક્યા હતા તથા કેન્દ્રની સરકારમાં પણ પર્યાવરણમંત્રી રહી ચૂક્યા હતા. દિગ્વિજયસિંહ બાદ તેમના પુત્ર કેસરીદેવસિંહ ઝાલા હવે ભાજપમાં રાજ્યસભાના સાંસદ છે.

વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારમાંથી સાત વખત સાંસદ બન્યા છે. ફતેહસિંહ ગાયકવાડ તેમના નાના ભાઈ રણજિતસિંહ ગાયકવાડ કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા. રણજિતસિંહ ગાયકવાડ બાદ શુંભાંગિની ગાયકવાડ ખેડાથી સાંસદ બન્યાં હતાં.

ઠાકોર ક્ષત્રિયની વાત કરીએ તો કૉંગ્રેસમાંથી માધવસિંહ સોલંકી, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, બળદેવ ઠાકોર, સી. જે. ચાવડા (જે હવે ભાજપમાં છે), જગદીશ ઠાકોર વગેરે નેતાઓ કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ.

ભારતીય સંઘમાં ભેળવવા માટે પોતાનું રજવાડું સૌપ્રથમ સોંપનાર ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહ મદ્રાસ પ્રાંતના રાજ્યપાલ રહી ચૂક્યા હતા.

ભાવનગરના લીમડાના રાજવી પરિવારના શક્તિસિંહ ગોહિલ કૉંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે તથા હાલ તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ છે.

જામનગરના રાજવી પરિવારના સભ્ય દોલતસિંહજી જાડેજા (ક્રિકેટર અજય જાડેજાના પિતા), દેવગઢ બારિયાનાં ઉર્વશીદેવી, આણંદના નરેન્દ્રસિંહ મહીડા (સ્વતંત્ર પાર્ટી અને પછી કૉંગ્રેસ) જેવા લોકો પણ રાજનીતિમાં સક્રિય હતા.

ભાજપ તરફથી શંકરસિંહ વાઘેલા (જેઓ હવે પક્ષ છોડી ચૂક્યા છે), રાજેન્દ્રસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, હકુભા જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રીવાબા જાડેજા, કિરીટસિંહ રાણા, જયરાજસિંહ, અનિરુદ્ધસિંહ, આઈ. કે. જાડેજા પણ સરકાર કે પક્ષમાં વિવિધ પદો પર રહી ચૂક્યાં છે.

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી કહે છે, “યુગ બદલાયો છે, રાજાશાહી ખતમ થઈ અને લોકતંત્રનો જમાનો છે. પહેલાં રાજા નિર્ણય લેતા હતા હવે પ્રજાના પ્રતિનિધિ નિર્ણય લે છે અને પ્રતિનિધિ એ જ હોય છે જે બહુમતીમાં છે. બુલેટનું શાસન ગયું અને બૅલેટનું શાસન આવ્યું છે.”

“સમયે સમયે ડૉમિનન્ટ સૅક્શન ઊભાં થાય છે. પહેલાં રાજા પાસે જમીનો હતી અને તેઓ ખેડૂતોને ખેડવા જમીન આપતા હતા. પણ જમીન સુધારણા થતાં ખેડૂતો જમીનમાલિક થયા. તેને કારણે અર્થકારણ પણ બદલાયું અને રાજકારણ પણ.”

“હાલ ગુજરાતમાં પટેલો વધારે પ્રભાવી છે. માર્શલ કાસ્ટ મનાતા રાજપૂતો માત્ર 6 ટકાની આસપાસ છે. તેમાં ક્ષત્રિયોની અન્ય કોમો મેળવો તો થોડા વધારે થાય. જ્યારે પટેલોની વસ્તી 12 ટકા છે. ઐતિહાસિક પ્રક્રિયામાં જે જીતે તે આગળ વધે છે અને જે હારે તે પાછળ રહી જાય જેમાં સોશિયો-ઇકૉનૉમિક ફેક્ટર મહત્ત્વનું છે.”

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ (ડાબે), મધ્યમાં તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી નજરે પડે છે

જગદીશ મહેતા કહે છે, “ભાજપે પટેલોને ક્ષત્રિયો કરતાં વધારે મહત્ત્વ આપ્યું. એવું નહોતું કે ભાજપ પાસે ક્ષત્રિય આગેવાન નહોતા. પહેલાં ભાજપમાં શંકરસિંહ વાઘેલા સૌથી મોટા ક્ષત્રિય નેતા હતા. તેમના પક્ષ છોડ્યા બાદ રાજેન્દ્રસિંહ રાણા, આઈ. કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, હકુભા જાડેજા, જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ તથા કિરીટસિંહ રાણા જેવા નેતાઓ ઊભર્યા. પણ આજે ભાજપમાં પટેલોનો દબદબો છે. ઘણા ક્ષત્રિય નેતાઓનો ભાજપે બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરીને હાંસિયામાં ધકેલી દીધા.”

તેમના જણાવ્યા પ્રમાણે, “હાલમાં રૂપાલા વિરુદ્ધનું આંદોલન ઠરતું નથી તેની પાછળ પણ આ જ કારણ છે, કારણ કે જે ક્ષત્રિય નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે તેમની નિષ્ક્રિયતા છે અને જે સક્રિય છે તેમનું કંઈ ચાલતું નથી.”

સુનીલ જોશી વળી કહે છે કે “આ આંદોલન શાંત ન પડ્યું તો એની અસર ભાજપની હાલની ક્ષત્રિય નેતાગીરી પર પડી શકે છે.”

ગુજરાતમાં અત્યાર સુધી ભાજપમાં પાંચ મુખ્ય મંત્રી બન્યા છે જે પૈકી ત્રણ પટેલ સમાજમાંથી બન્યા છે.

તો પટેલ સમાજના આગેવાન ઘનશ્યામભાઈ ગોરસિયા કહે છે, “પટેલોને કારણે રાજપૂતો હાંસિયામાં ધકેલાયા હોવાના આરોપો યોગ્ય નથી. કેશુભાઈ પટેલ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે રાજેન્દ્રસિંહ રાણા પક્ષના પ્રદેશ પ્રમુખ હતા. પટેલો જ્ઞાતિવાદમાં નથી માનતા, અમારી જે સ્વયંસેવી સંસ્થાઓ ચાલે છે તેમાં તમામ જરૂરતમંદ લોકોને મદદ કરવામાં આવે છે, માત્ર પટેલોને જ નહીં.”

તેઓ કહે છે કે પટેલો તેમની મહેનતને કારણે આગળ આવ્યા છે.