પાયલ ગોટી : જો બધું કાયદા મુજબ થયું તો પછી ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કેમ કરાયા?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- Twitter,
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે થયેલા વિખવાદ અને વિવાદ બાદ થયેલી પોલીસ ફરિયાદમાં એક પાટીદાર યુવતીને આરોપી બનાવીને પછી કથિતપણે તેમનું જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે.
આ કેસમાં અમરેલી જિલ્લા પોલીસ વડાએ અગાઉ કાયદા અનુસાર કાર્યવાહી થઈ હોવાની વાતો કરી હતી. પોલીસનું કહેવું હતું કે આ કોઈ સરઘસ નહોતું પરંતુ તે 'રિકન્સ્ટ્રક્શન' હતું.
પરંતુ હવે જિલ્લા પોલીસ વડાએ રવિવારે અચાનક આ કેસ મામલે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આ સસ્પેન્શનને કારણે અગાઉ પોલીસે આપેલાં નિવેદનો સામે સવાલો ઉઠી રહ્યા છે.
આ મામલે કૉંગ્રેંસ અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે એક પ્રકારે પોલીસે કાર્યવાહી કરીને સ્વીકાર્યું છે કે ખોટું થયું છે પરંતુ તેમણે આ કાર્યવાહી નાના કર્મચારીઓ સામે જ કરી છે જ્યારે કે મોટા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી.
હવે આ મામલાની તપાસ ડીઆઈજી નિર્લીપ્ત રાયને સોંપવામાં આવી છે.
આ પ્રકરણમાં પાયલ ગોટીએ પોતાના વકીલ આનંદ યાજ્ઞિક સાથે રાજ્યના પોલીસ વડાને મળીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
જોકે, ભારતીય જનતા પાર્ટીએ માત્ર એટલું જ કહ્યું છે કે આ મામલે પગલાં લેવાઈ રહ્યાં છે અને તપાસ થઈ રહી છે.
પોલીસે પહેલાં શું કહ્યું અને હવે શું કહે છે?
ઘટના બની તે સમયે અગાઉ અમરેલી જિલ્લાના જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કહ્યું હતું, "આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી છે. એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઑર્ડર વિરુદ્ધ કર્યું હોય. આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂપ આપી દેવાયું છે."
ત્યારબાદ જ્યારે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે આ અંગે બીબીસી સહયોગી ફારુક કાદરીએ 13 જાન્યુઆરીના રોજ અમરેલી જિલ્લા એસપીને રૂબરુ મળીને વાત કરી હતી.
એસપી સંજય ખરાતે ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યાના સમાચારની પુષ્ટિ કરી હતી.
જોકે, આ પોલીસ કર્મચારીઓને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા તે અંગેના પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું ?
આ મામલે રાજકોટના સાસંદ અને ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "પાયલ ગોટીના મામલે પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી."
ભાજપના અન્ય નેતાઓએ પણ આ પહેલાં પોલીસની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો.
અમરેલી જિલ્લા ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે પણ આ મામલે પોલીસ કાર્યવાહીની આલોચના કરતાં કહ્યું હતું કે પાયલ ગોટી સાથેની કાર્યવાહીમાં અતિરેક થયો છે.
આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા અને ઈફ્કોના ચૅરમૅન દિલીપ સંઘાણીએ પણ પાયલ ગોટી સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. ભાજપના અન્ય નેતાઓ પણ પાયલને મળવા પહોંચ્યા હતા.
'સરકાર નાની માછલી પકડે છે પણ મગરમચ્છને છોડી દે છે'
આ મામલે કૉંગ્રેંસ નેતા જેનીબહેન ઠુમ્મરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "પોલીસે આ મામલે કાર્યવાહી કરી એનો અર્થ એ છે કે પોલીસ સ્વીકારે છે કે ઘટના બની હતી."
તેમણે વધુમાં જણાવ્યું, "જે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ત્રણ લોકોની ભૂમિકા પાયલની રાત્રે ધરપકડ કરવામાં હતી. જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે તો ચિઠ્ઠીના ચાકર હોય, તેમને ઉપરી અધિકારીઓ તરફથી જે હુકમ કરવામા આવ્યો હોય તેમણે તો બસ તેનું પાલન જ કર્યુ હોય. હુકમ આપનાર ઉપરી અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ."
જેનીબહેન ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે "અમારી માંગ છે કે પાયલનું સરઘસ કાઢનારા પોલીસ કર્મચારીઓ, પાયલની મોડી રાત્રે ધરપકડ કરવાનો ઑર્ડર આપનાર પોલીસ અધિકારીઓ તેમજ તેમનું મોઢું ખુલ્લુ રાખીને તેમને હાજર રાખીને પ્રેસ કૉન્ફરન્સ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાં જોઈએ. સરકાર હંમેશા નાની માછલીઓને પકડે છે અને મગરમચ્છોને છોડી દે છે."
આપના નેતાઓ શું બોલ્યા?
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "અમરેલીમાં પત્રકાંડ અંગે ફરિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામા દાખલ કરવામાં આવી હતી."
તેમણે પણ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવતા કહ્યું, "ફરિયાદની તપાસ જ્યારે અન્ય એક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતી હતી ત્યારે આ મામલે પોલીસ કૉન્સ્ટેબલ સરઘસ કાઢી શકે નહી."
તેમણે જિલ્લા પોલીસ વડા સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું, "એસપી સંજય ખરાત પોતાની અને પોતાના અધિકારીઓની ભૂલનું ઠીકરું નાના કર્મચારીઓનાં માથાં પર ફોડી રહ્યાં છે. પોલીસ પોતાનો ગુનો સ્વીકારી રહી છે. પરંતુ ગુનેગારોને બચાવી રહી છે. દિકરીની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને તેને પટ્ટા મારવામાં આવ્યા હતા. તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ગુનામાં સામેલ દરેક ગુનેગારને સજા થવી જોઈએ."
ભાજપે શું પ્રતિક્રીયા આપી ?
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "પાયલ ગોટીએ કોર્ટમાં જુબાની આપી હતી કે તેની સાથે કંઇ ખોટું થયું નથી. ત્યારબાદ પાયલ ગોટીએ પત્ર લખીને જણાવ્યું કે તેની સાથે ખોટું થયું છે."
યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યું, "સરકારે ખાતરી આપી હતી કે જો દીકરી સાથે કંઇ પણ ખોટું થયું હશે તો તે અંગે પગલાં લેવામાં આવશે. આ અંગે તપાસ કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તપાસની શરૂઆત છે. તપાસ ચાલી રહી છે. તપાસમાં કોઈપણ અધિકારીની સંડાવણી જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે."
પાયલ ગોટીએ ડીજીપી સમક્ષ શું રજૂઆત કરી?
અમરેલી પત્રકાંડ મામલે પાયલ ગોટી પોતાના વકીલ આનંદ યાજ્ઞિક સાથે ડીજીપીને મળ્યાં હતાં.
પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે " પાયલની રજૂઆત છે કે પોલીસે તેને રાત્રે 12 વાગે ઘરેથી ઉપાડી હતી. સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુનેગાર ન હોય અથવા તો મોટા ન હોય જેમાં વ્યક્તિને બહાર રાખવાથી સમાજને નુકશાન ન હોય તેમની ધરપકડ થતી નથી. પાયલ અને અન્ય આરોપીઓ કોઇ ડ્રગ પેડલર કે આતંકવાદી નથી. તેમની સામે અન્ય કોઈ ગુનો નથી. તેમ છતાં સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે આ દિકરીને પોલીસ લઇ ગઇ હતી."
"આરોપીઓ ગુનેગાર પુરવાર થાય તે પહેલાં પ્રેસ કૉન્ફરન્સમાં તેમને રીઢા ગુનેગારની જેમ ઊભા રાખી તેમની ઓળખ છતી કરી દેવામાં આવી. કોર્ટમાં રજૂ કરતાં પહેલાં પાયલ અને અન્ય ઓરાપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. સરઘસમાં પોલીસ સિવાયના લોકો પણ સામેલ હતા. તેમજ પાયલને માર મારવામાં આવ્યો છે. જેથી પાયલે કોઇ મહિલા આઇપીએસ સ્વતંત્ર તપાસ કરે તે પ્રકારની માંગ કરી છે."
વકીલ આનંદ યાજ્ઞિકે વધુમાં જણાવ્યું હતું કે "ચિઠ્ઠીના ચાકર સમા પોલીસ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો તો આ તપાસમાં સામેલ પીએસઆઇ, પીઆઇ, એસપીને કેમ સસ્પેન્ડ કરવામાં આવતા નથી?"
પરેશ ધાનાણીની ધરણાં પહેલાં પોલીસે અટકાયત કરી
અમરેલીમાં પાટીદાર યુવતી પાયલ ગોટી સામે પોલીસની કાર્યવાહી અંગે પરેશ ધાનાણી સહિતના કૉંગ્રેંસ નેતાઓ ધરણાં પર બેસવાના હતા.
પરેશ ધાનાણી સુરતના વરાછા ખાતે માનગઢ ચોક સાથે ધરણાં કરવાના હતા.
જોકે, પોલીસે તેમને ધરણાની મંજૂરી આપી ન હતી. ધરણાં શરૂ થાય તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
તમામ કૉંગ્રેંસ કાર્યકરોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
અમરેલી પત્રકાંડ મામલે કૉંગ્રેંસે સુરત વરાછા માનગઢમાં ધરણાંનું આયોજન કર્યું હતું. પોલીસે પરવાનગી વગર ધરણાં કરવા મામલે કૉંગ્રેંસ નેતા પરેશ ધાનાણી સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન