ગુજરાતમાં નાની મિલોમાંથી નીકળતું સિંગતેલ બ્રાન્ડેડ તેલને કેવી રીતે ટક્કર આપી રહ્યું છે?

ઑઇલ મિલ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, ગોપાલ કટેશિયા
  • પદ, બીબીસી સંવાદદાતા

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે બીજી ડિસેમ્બરના દિવસે એક વરઘોડાએ સ્ટેટ હાઇવે-1 પર વાહનોનો ટ્રાફિક જામ કરી દીધો હતો. ઘોડાની ખેલકૂદ, આતશબાજી અને ડીજેના તાલે નાચતા જાનૈયાઓએ ઢળતા પહોરે જમાવેલા રંગની ધમાલમાં એક ખેડૂત પરેશભાઈ ઠુમ્મરને કશો રસ હોય તેમ જણાતું નહોતું.

પરેશભાઈએ રામોદની ભાગોળે રોડની અડીને આવેલ દૂરથી એક ગોડાઉન જેવા દેખાતાં મોટા શેડની બહાર તેમનું ટ્રૅક્ટર ઊભું રાખી દીધું હતું.

એ શેડમાંથી વીજળીથી ચાલતા કેટલાંક યંત્રોનો કીચ-કીચ અવાજ આવી રહ્યો હતો અને એક ભૂંગળા વાટે થોડો-થોડો ધૂમાડો નીકળતો રહેતો. રોડ પરથી શેડના એક બારણાં વાટે એક યંત્રના પુલી અને પટ્ટા ફરી રહ્યા હોય તે સ્પષ્ટ દેખાતું હતું.

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ડબ્બામાં ભરાઈ રહેલુ સિંગતેલ

પરંતુ આ શેડ કોઈ કારખાનું હોય તેવું ક્યાંય બોર્ડ મારેલું નથી. તેના મુખ્ય દરવાજા પર માત્ર ‘દિનેશભાઈ’ લખ્યું છે અને એક મોબાઈલ નંબર લખેલો છે.

જે બારણામાંથી કેટલાક યંત્રો દેખાતાં હતાં તેની બાજુના બારણાં સામેથી એક મિનિ ટ્રૅક્ટર હટ્યું એટલે પરેશભાઈએ પોતાનું મિનિ ટ્રૅક્ટર તે બારણાના ઓટલા નજીક ખસેડ્યું. ટ્રૅક્ટરની ટ્રૉલીમાં મગફળી ભરેલી ગુણીઓ અને ગાંસડીઓ લાદેલી હતી.

પરેશભાઈએ શેડમાં કામ કરી રહેલ એક મજૂરની મદદ માંગતાં કહ્યું, "એ ભાઈ, આ ઊતરાવો હવે. ભેંસ દોહવાનું ટાણું થઈ ગયું છે, મારે જલ્દી ઘરે જવું છે."

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, મગફળીની ગૂણીઓ લઈને ખેડૂતો તેનું પીલાણ કરાવવા નાની ઘાણીએ લઈને આવે છે

મજૂરે તેમની મદદે આવી ગુણીઓ ઉતારવામાં અને શેડની અંદર મૂકવામાં મદદ કરી.

પરેશભાઈ રામોદ ગામની નજીકના સાંઢવાયા ગામેથી અહીં આવ્યા હતા. ગાંસડીઓ અને મજૂરે મગફળી જોખતાં તે 21 મણ (20 કિલો=1 મણ) થઈ.

"ચાલો ભાઈ, હવે હું જાઉં છું. તમારી રીતે તેલ કાઢી નાખજો," એમ કહેતા પરેશભાઈ પોતાના ટ્રૅક્ટર તરફ જવા લાગ્યા ત્યાં જ શેડની અંદરથી કોઈએ મોટા અવાજે ફરમાન કર્યું કે "એ.. ના હો ભાઈ! તમારી હાજરી વગર એક દાણોય નહીં પીલાય. તમારે તેલ કઢાવવું હોય તો થોડી વાર રોકાઈ જાવ નહીંતર કાલે પાછા આવજો."

આ મોટો અવાજ દિનેશભાઈ શેખડાનો હતો. દિનેશભાઈ શેખડા આ શેડમાં ચાલતાં આ નાનકડાં કારખાનાનાં માલિક છે. તેમનાં કારખાનાનું નામ ખોડલ મિનિ ઑઇલ મિલ છે. મને-કમને પણ દિનેશભાઈ રોકાઈ ગયા અને તેમની 21 મણ મગફળીમાંથી નવ ડબ્બા ભરીને તેલ (એક ડબ્બામાં સામાન્ય રીતે 15 કિલો તેલ ભરાય છે) નીકળ્યું, તે લઈને તેઓ પરત ફર્યા.

રામોદથી 20 કિમી દૂર રાજકોટના જસદણ તાલુકાના ખારચીયા-જામ ગામે આવી જ એક બજરંગ મિનિ ઑઇલ મિલ આવેલી છે. ત્યાંથી 50 કિમી દૂર આવેલા રાજકોટના વિંછીયા તાલુકાના મોઢુકા ગામેથી જીલુભાઈ તાવીયા નામના ખેડૂત 25 મણ મગફળી લઈને તેમાંથી તેલ કઢાવવા આવ્યા છે.

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, પરેશભાઈ ઠુમ્મર ખોડલ ઑઇલ મિલમાં મગફળીમાંથી તેલ કઢાવવા આવ્યા તે સમયની તસવીર

ફિલ્ટરમાં મૂકેલા નળ વાટે થતી તેલની ધાર નીચે પોતાની આંગળી રાખી જીલુભાઈ તેલને સૂંઘે છે અને દેખીતી રીતે સંતોષ થતાં તેઓ આંગળી પર લાગેલ તેલ હથેળી અને ચહેરા પર ભૂંસે છે. પછી ફિલ્ટર પર પારદર્શક પ્લાસ્ટિકની બૉટલમાં ભરેલા પીળા-સોનેરી રંગના તેલને નીરખીને જુએ છે અને બૉટલ બીજા ખેડૂતોને બતાવતાં કહે છે: "આ બે વરહ (વર્ષ) સુધી બગડતું નથી."

ખોડલ અને બજરંગ મિનિ ઑઇલ મિલ્સ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં છેલ્લા પાંચ-સાત વર્ષમાં સ્થપાયેલી સેંકડો મિનિ ઑઇલ મિલોમાંની છે.

ગોંડલ શહેર અને જસદણના આટકોટ ગામ વચ્ચેની સ્ટેટ હાઇવે નંબર-1ની 40 કિમી લંબાઈમાં આવેલાં ગામોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં 16 મિનિ ઑઇલ મિલ્સ સ્થપાઈ છે. ખારચીયા-જામમાં જ સાત મિનિ ઑઇલ મિલ્સ છે અને રામોદમાં ચાર છે.

ખેડૂતો સામાન્ય રીતે જેને માત્ર ઘાણી કે ઘાણા તરીકે ઓળખાવે છે તેવી તેલની આવી નાની યાંત્રિક ઘાણીઓએ મગફળીમાંથી તેલ કાઢવામાં એક પ્રકારની ક્રાંતિ સર્જી છે. આજે પરેશભાઈ અને જીલુભાઈ જેવા હજારો ખેડૂતો પોતાની વાડીમાં પકવેલ મગફળીને આવી ઘાણીઓએ લઈ જઈ, પોતાની નજર સમક્ષ જ પીલાણ કરાવી, પોતાની જરૂરિયાત મુજબનું શુદ્ધ સિંગતેલ સીધું જ મેળવી રહ્યા છે.

કેવી રીતે આ મિલોની શરૂઆત થઈ અને બ્રાન્ડેડ મોટી કંપનીઓનાં સિંગતેલ સામે પણ ઘાણીના સિંગતેલ બજારમાં કેવી રીતે ટકી રહ્યાં છે?

મિનિ ઑઇલ મિલ એટલે શું?

સિંગતેલમાં, ઑઇલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

રાજકોટ શહેર નજીક નવા ગામ પાસે આવેલ ચેતન ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવી ઑઇલ મિલોની મશીનરી બનાવતા ઉદ્યોગપતિ ચેતનભાઈ ચૌહાણ જણાવે છે કે, “વ્યાપારિક ધોરણે તેલનું ઉત્પાદન કરવા માટેની મિલના પ્લાન્ટની ક્ષમતા તે 24 કલાકમાં કેટલા ટન (એક હજાર કિલોએ અથવા પચાસ મણે એક ટન થાય) મગફળીનું પીલાણ (ક્રશિંગ) કરી શકે છે તેના પરથી મપાય છે.”

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “આજે ઉત્પાદકો બે ટનથી શરૂ કરીને 100 ટન જેટલી મગફળીનું પ્રતિદિન પીલાણ કરી શકે તેવી કોમર્શિયલ (વ્યાપારિક ધોરણે ચલાવાતી) ઑઇલ મિલની મશીનરીનું ઉત્પાદન કરે છે.”

સૌરાષ્ટ્રમાં આવેલ લગભગ દોઢસો જેટલી મોટી ઑઇલ મિલ્સના માલિકોના સૌરાષ્ટ્ર ઑઇલ મિલ્સ ઍસોસિયેશન(SOMA) તરીકે ઓળખાતા સંગઠનના પ્રમુખ કિશોરભાઈ વિરડિયા કહે છે, “ઑઇલ મિલો મગફળીમાંથી સરેરાશ 30 ટકા તેલ કાઢી શકે છે એટલે કે પ્રતિ 100 કિલો મગફળીમાંથી સરેરાશ 30 કિલો તેલ મેળવી શકાય છે. ઑઇલ મિલ્સ મગફળીનાં તેલનું પેકિંગ સામાન્ય રીતે 15 કિલો તેલ સમાય તેવા ડબ્બામાં કરે છે.”

ચેતનભાઈ કહે છે, "ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે મિનિ ઑઇલ મિલ ગામડાંમાં સ્થપાઈ છે તેમાંથી મોટાભાગની મિલોની ક્ષમતા 6થી 10 ટનની છે અને આવા પ્લાન્ટ્સ પ્રતિ દિન દોઢસોથી બસ્સો ડબ્બા તેલ કાઢી શકે છે. જો નાનું ગામ હોય તો ખેડૂતો ત્રણથી પાંચ ટનની ક્ષમતાના પ્લાન્ટ્સ નાખે છે જે પ્રતિદિન પચાસથી 80 ડબ્બા તેલ કાઢી શકે છે. આવી ઑઇલ મિલને મિનિ ઑઇલ મિલ કે ઘાણી કહી શકાય. ઘાણીથી મોટી પરંપરાગત ઑઇલ મિલની ઉત્પાદનક્ષમતા સામાન્ય રીતે 300 ડબ્બાથી વધારે હોય છે. હવે તો પ્રતિદિન 2,000 ડબ્બાની ઉત્પાદન ક્ષમતા ધરાવતી મોટી મિલો પણ સ્થપાય છે."

તેઓ વધુ જાણકારી આપતાં કહે છે કે, “150થી 200 ડબ્બાની ઉત્પાદનક્ષમતાની યાંત્રિક ઘાણીની કિંમત 10થી 12 લાખ રૂપિયા હોય છે અને સરકાર આ પ્રકારની માઇક્રો ઍન્ટરપ્રાઇઝ (સૂક્ષ્મ સાહસ)સ્થાપવાને પ્રોત્સાહન આપવા 35 ટકા સુધી સબસિડી આપે છે.”

સોમાના પ્રમુખ કિશોરભાઈ પોતે પણ ગોંડલ નજીક જામવાડી ગામમાં એક ઑઇલ મિલ ચલાવે છે.

તેઓ જણાવે છે કે, “1999માં સ્થાપેલ તેમની ઑઇલ મિલની ક્ષમતા 500 ડબ્બા પ્રતિ દિવસ છે."

તો શું ઘાણી કે ઘાણા નવાં છે?

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ચેતનભાઈ ચૌહાણ ઑઇલ મિલોની મશીનરી બનાવે છે

નાની તેલની ઘાણીઓની આ સિસ્ટમ જોકે આજકાલ જ શરૂ થઈ હોય તેવું નથી.

સોમાના પ્રમુખ કિશોરભાઈ જણાવે છે કે, “ગુજરાતમાં દાયકાઓ પહેલાં બળદથી ચાલતી ઘાણીથી લોકો તેલીબિયાં પીસીને તેલ કાઢતા હતા. લગભગ 1960-70ના દાયકામાં રાજકોટમાં બનતા ઑઇલ ઍન્જિન(ડીઝલથી ચાલતા) આવી જતાં તેમણે બળદનું સ્થાન લઈ લીધું. 1990ના દાયકામાં ઑઇલ ઍન્જિનથી ચાલતી ઘાણીઓ મોટાપાયે નંખાઈ હતી.”

છેક 1991થી ઑઇલ મિલ્સની મશીનરીનું ઉત્પાદન કરતાં ચેતનભાઈ જણાવે છે કે 1990ના દાયકામાં ઑઇલ ઍન્જિનોની જગ્યા વીજળીથી ચાલતી મોટરો લેવા લાગી.

તેઓ કહે છે, "રાજ્યના ગ્રામ્યવિસ્તારોમાં વીજળી પહોંચતા ઇલેક્ટ્રિક મોટરથી ચાલતી ઘાણીઓ બનાવવાનું ચાલુ થયું. 1991થી 1995 સુધી ઘણી યાંત્રિક ઘાણીઓ રાજ્યમાં નાખવામાં આવી હતી. પરંતુ એ તેજી વધારે ટકી નહીં. કારણકે બજારમાં રિફાઇન્ડ કપાસિયા તેલ સસ્તા ભાવે મળતું થયું. આથી, લોકોને સિંગતેલ મોંઘું લાગવા માંડ્યું. તેથી ઘાણીઓ બંધ થવા લાગી.”

હવે સિંગતેલમાં તેજી કેમ આવી?

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્ર ઑઇલ મિલ્સ ઍસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈ વિરડિયા

છેક 1985થી ખાદ્યતેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કિશોરભાઈનું કહેવું છે કે તેમાં ઘણાં પરિબળો નિર્ણાયક સાબિત થયા.

તેઓ કહે છે કે, “મશીનથી ચાલતી ઘાણીઓ મોટી યાંત્રિક ઑઇલ મિલો સામે ટકી શકી નહીં, પરંતુ 1980-90ના દાયકામાં સરકારે એક ખાદ્યતેલનું બીજા ખાદ્યતેલ સાથે મિશ્રણ કરવાની છૂટ આપી. આમ જોઇએ તો તે મગફળી સિવાયનાં બીજાં તેલોને વધારે લાગુ પડતું હતું. પરંતુ, એ સમયે ગ્રાહકોમાં એવી હવા ફેલાઈ ગઈ કે તેલમાં ભેળસેળ થાય છે. આ ગેરમાન્યતાની અસર એવી થઈ કે લોકો એમ સમજવા લાગ્યા કે બીજા તેલની માફક સિંગતેલમાં પણ ભેળસેળ થાય છે, છતાં પણ મિલવાળા ડબ્બાનો ભાવ વધારે રાખે છે. આવાં પરિબળોને કારણે પોતાની બ્રાન્ડના લેબલ સાથેના ડબ્બામાં સિંગતેલ વેચતી મોટી ઑઇલ મિલોને ફટકો પડ્યો. આવા બ્રાન્ડેડ તેલની છબી ખરડાઈ ગઈ અને તેલની શુદ્ધતા બાબતે ગ્રાહકોનો વિશ્વાસ ડગી ગયો. તેથી, લોકો પાછા ઘાણીઓ તરફ વળ્યા."

ચેતનભાઈ કહે છે કે, “અન્ય કેટલાંક પરિબળોએ આ તેજીને ટેકો પૂરો પડ્યો. વર્ષ 2004ની આસપાસ ગુજરાતમાં બીટી કપાસનું વાવેતર વધવા માંડ્યું. લોકો એવું માનવા લાગ્યા કે બીટી કપાસના કપાસિયામાંથી બનતું તેલ સ્વાસ્થ્ય માટે બહુ સારું નથી. આથી, પંદરેક વર્ષ જેમનો દબદબો રહ્યો એવા કપાસિયા તેલના સમયનો અંત આવવા લાગ્યો અને લોકો સિંગતેલ તરફ પાછા વળવા માંડ્યા. એ સાથે જ 2004થી ગુજરાતમાં રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના લાગુ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ 24 કલાક વીજળી મળતી થઈ. તેના કારણે વીજળીથી ચાલતી મિનિ ઑઇલ મિલો સ્થાપવી સરળ બની ગઈ."

કોરોના મહામારી અને તોફાની તેજી

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ઑઇલ મિલના ભાગીદાર લાલજીભાઈ ચોવટિયા

સોમાના પ્રમુખ કિશોરભાઈ કહે છે કે, “તેલની શુદ્ધતા બાબતે જેમના મનમાં શંકા રહેતી હતી તેવા ખેડૂતો 2016-17થી ઘાણીઓએ પોતાની મગફળી લઈ જઈને તેમની નજર સમક્ષ તેલ કઢાવતા થયા. 2020માં કોરોના મહામારી આવતા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા. આથી, વધુને વધુ લોકો ઘાણી તરફ વળ્યા."

ચેતનભાઈ આંકડા સાથે સિંગતેલમાં આવેલી તોફાની તેજીની સમજણ આપતાં કહે છે, "વર્ષ 2000થી 2011ના ગાળામાં અમે વાર્ષિક સરેરાશ 15થી 20 મિનિ ઑઇલ પ્લાન્ટ્સ વેચી શકતા હતા. કોરોના આવતા 2020ના વર્ષમાં વેચાણમાં ઉછાળો આવ્યો. વેચાણ 100 પ્લાન્ટ્સ સુધી પહોંચી ગયું. ત્યારપછી પણ આ અકલ્પનીય તેજી ચાલુ રહી છે અને છેલ્લાં ચાર વર્ષમાં અમારા 400 જેટલા પ્લાન્ટ્સ વેચાઈ ગયા છે."

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ચેતન ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ સિવાય પણ ઘણા કારખાનાં મિનિ ઑઇલ મિલ પ્લાન્ટ્સનું ઉત્પાદન કરે છે અને ચેતનભાઈનું કહેવું છે કે રાજ્યમાં સ્થપાયેલ આવા પ્લાન્ટ્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે.

બજરંગ મિનિ ઑઇલ મિલના ભાગીદાર લાલજીભાઈ ચોવટિયા પણ આ બાબતે સહમત થાય છે. તેઓ કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંખ્યાબંધ મિનિ ઑઇલ મિલો સ્થપાઈ છે. મારા અંદાજ પ્રમાણે આવી એકાદ હજાર મિલો સ્થપાઈ ચૂકી છે."

ઘાણીઓમાંથી કઢાતું તેલ ખરેખર સસ્તું પડે છે?

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઑઇલ મિલ ચલાવતા લાલજીભાઈએ આ ઘાણીઓમાં સિંગતેલ કઈ રીતે કાઢવામાં આવે છે તેના વિશે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર...

  • આ વર્ષે સરેરાશ 45 કિલો મગફળીમાંથી એક ડબ્બો એટલે કે 15 કિલો સિંગતેલ નીકળે છે. મિનિ ઑઇલ મિલમાં ખેડૂતો મગફળી લઈને આવે એટલે ડિકોર્ટિકેટર તરીકે ઓળખાતું મશીન તે તેને ફોલીને દાણા અને ફોફાં અલગ કરે છે.
  • મગફળીના વજનમાં સામાન્ય રીતે 70 ટકા દાણા અને 30 ટકા ફોફાં હોય છે. ત્યારબાદ કૂકિંગ કૅટલ તરીકે ઓળખાતાં પાત્ર જેને પાણીની વરાળની મદદથી ગરમ રખાય છે તેમાં દાણાને શેકવામાં આવે છે.
  • પછી સિંગદાણાને ઍક્સ્પિલર તરીકે ઓળખાતાં યંત્રમાં પીસવામાં આવે છે. દાણા પીસાતાં તેમાંથી તેલ નીકળી જાય છે. તેલને એક ટાંકીમાં એકઠું કરી હાઇડ્રૉલિક પમ્પની મદદથી ફિલ્ટરમાં મોકલવામાં આવે છે જ્યાં તે કાપડમાં ગળાઈને શુદ્ધ થઈ નળ વાટે બહાર આવતા ડબ્બામાં ભરવામાં આવે છે.
  • શીંગદાણા પીસાયા બાદ જે ઘન પદાર્થ બાકી રહે છે તેને સિંગખોળ કે મગફળીનો ખોળ કહેવાય છે.
  • આ ખોળમાં સાતથી 10 ટકા તેલ, 10થી 14 ટકા રેસા (ફાઇબર), લગભગ 60 ટકા જેટલું પ્રોટીન અને 15થી 20 ટકા જેટલા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

ઘાણીના માલિકો એક ડબ્બો તેલ કાઢવાની 100 રૂપિયા મજૂરી લે છે. જો ખેડૂતને તેલ ભરવા ખાલી નવો ડબ્બો જોઇતો હોય તો તેને નંગ દીઠ 110 રૂપિયામાં પૂરા પડે છે.

કેટલીક ઘાણીના માલિકો સિંગખોળ આ વર્ષે સોળ રૂપિયા પ્રતિકિલોના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી લે છે અને લાલજીભાઈ કહે છે કે 45 કિલો એટલે કે બે મણ મગફળીમાંથી સરેરાશ 15 કિલો એટલે કે પોણો મણ ખોળ નીકળે છે.

સરકારે આ વર્ષે મગફળીના ટેકાના ભાવ પ્રતિ મણ રૂપિયા 1356 રૂપિયા નક્કી કર્યા છે જે પ્રતિ કિલો રૂપિયા 67.8 રૂપિયા થાય.

આ કિંમતે ખેડૂતો માટે ભાડાની રકમ ગણતરીમાં લીધા વગર પણ તેલના એક ડબ્બાની પડતર કિંમત સરેરાશ રૂપિયા 3005 થાય. જો મગફળીનો સરેરાશ બજારભાવ 1200 પ્રતિ મણ ગણવામાં આવે તોપણ ડબ્બાની પડતર કિંમત 2654 થાય. બ્રાન્ડેડ સિંગતેલના ડબ્બાના બજારભાવ હાલમાં 2600થી 2700 આજુબાજુ છે તેમ કિશોરભાઈ જણાવે છે.

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ખેડૂત જીલુભાઈ

પણ ખેડૂતો કહે છે કે આ ભાવે પણ તેમને ફાયદો છે.

ખેડૂત પરેશભાઈ કહે છે, "બજારના સિંગતેલમાં પામોલીન અને અન્ય તેલની ભેળસેળ આવે છે તેવી શંકા જતા અમે 10 વર્ષ અગાઉ બજારમાંથી સિંગતેલ અને કપાસિયા તેલ ખરીદવાનું બંધ કર્યું અને ઘાણીમાં અમારી મગફળીનું જ તેલ કઢાવવાનું ચાલુ કર્યું. દેખીતી રીતે ઘાણીનું તેલ થોડું મોંઘું લાગે પણ હું ખોળ મારી એક ગાય અને ભેંસને ખવડાવું છે જેથી કરીને સારું દૂધ પણ મળે છે. આમ, સરવાળે તે બજારભાવ જેવું જ થઈ જાય છે."

જીલુભાઈ કહે છે કે થોડું વધારે મોંઘું પડે તો પણ દસ સભ્યોનો તેમનો પરિવાર ઘાણીએ કાઢેલું તેલ જ ખાવાનું પસંદ કરશે.

60 વર્ષીય જીલુભાઈ કહે છે, "ડબ્બો સાડા ત્રણ હજારમાં પડે તો પણ મંજૂર છે કારણ કે આ અસલ વસ્તુ છે. અમે પહેલાં બજારમાંથી તેલ લઈને ખાતા ત્યારે ખંજવાળ આવતી અથવા કંઈક ને કંઈક બીમારી ચાલુ રહેતી. આઠ-નવ વર્ષથી અમારી મગફળીમાંથી તેલ કઢાવી ખાવાનું ચાલુ કર્યું છે ત્યારથી આ બધું બંધ થયું છે."

‘બ્રાન્ડેડ સિંગતેલને ઘાણીના સિંગતેલની સીધી ટક્કર’

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, એક ઑઇલ મિલનું દૃશ્ય

સોમાના પ્રમુખ કિશોરભાઈ કહે છે કે, “ઘાણીની ક્રાંતિ આવકાર્ય છે. તેનાથી ગ્રામ્ય અર્થતંત્રને ફાયદો છે કારણ કે ગામડાંમાં લોકોને રોજગારી મળી રહી છે અને ગામમાં જ લોકોને પોતાની મગફળીમાંથી તેલ કઢાવવાની સુવિધા મળી ગઈ છે. પરંતુ, એવો જે પ્રચાર થઈ રહ્યો છે કે ઘાણીનું તેલ જ શુદ્ધ હોય તે વાત સાચી નથી. મોટી મિલો દ્વારા બ્રાન્ડનાં નામ અને લેબલ સાથે વેચાતાં સિંગતેલ પણ એટલાં જ શુદ્ધ છે, કારણ કે તેમની પાસે પણ સારામાં સારી મશીનરી છે.”

તેઓ કહે છે, “ઘાણીઓ આવતાં બ્રાન્ડેડ સિંગતેલના વેચાણમાં કોઈ મોટો ઘટાડો નથી થયો કારણ કે તેલની માંગ જ ઑવરઑલ વધી છે અને વિદેશમાં પણ સારી ડિમાન્ડ છે. પરંતુ સોશિયલ મીડિયામાં થઈ રહેલ દુષ્પ્રચાર બ્રાન્ડેડ કંપનીઓને નડી રહ્યો છે.”

તેઓ કહે છે, "ઘાણીના માલિકો જોબવર્ક કરી ખેડૂતોને તેલ કાઢી આપે તેટલી પ્રવૃત્તિ જ કરે તો આવકાર્ય છે. પરંતુ તેઓ ઘાણીના તેલના બહાના હેઠળ કોઈ પણ લૅબલ વગર બજારમાં ત્રણ હજારના ભાવે ડબ્બા વેચે છે. ઘાણીના માલિકોને આ વેચાણ કરતાં સરકારે અટકાવવા જોઈએ કારણ કે સરકારને કરની આવક પણ જતી કરવી પડે છે. મોટી મિલના માલિકો એક ડબ્બે સરેરાશ 130 રૂપિયા જીએસટી સરકારને ચૂકવે છે, જ્યારે ઘાણીવાળાનું કોઈ રજિસ્ટ્રેશન થયું ન હોવાથી તેઓ કોઈ ટૅક્સ ભરતા નથી."

પરંતુ, ઘાણી ચલાવતા લાલજીભાઈ આ આક્ષેપોનું ખંડન કરે છે.

તેઓ કહે છે, "અમે ખેડૂતો પાસેથી ખોળ ખરીદી સોલ્વન્ટ ઍક્સ્ટ્રેક્ટર્સને વેચીએ છીએ અને તેના માટે અમે જીએસટી નંબર લીધો છે. મારી જાણકારી મુજબ ઘાણીમાલિકો મગફળીમાંથી તેલ કાઢી આપવાનું જોબવર્ક કરે છે.આથી, એવી પણ શક્યતા છે કે ખેડૂતો આવી ઘાણીઓમાં તેલ કઢાવી બજારમાં વેચતા હોય."

મિશ્રિત તેલ અને ભેળસેળવાળાં તેલમાં ફર્ક છે

શીંગતેલ, ઓઈલ મિલ, કાચી ઘાણીનું તેલ, મગફળી, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, પોતાની ઑઇલ મિલમાં તેલની ગુણવત્તા ચકાસી રહેલા કિશોરભાઈ વિરડિયા

ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના રાજકોટ જિલ્લા માટેના અધિકારી બંદિશ વાવૈયા જણાવે છે કે ગ્રાહકોમાં જાગૃતિ બહુ જરૂરી છે.

તેઓ કહે છે, "તેલમાં ભેળસેળની મંજૂરી નથી અને આમ કરવું એ એક ગુનો છે. આ ગુનો સાબિત થયે પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે. વળી તેલમાં કોઈ અખાદ્ય પદાર્થ ભેળવવામાં આવે તો ફોજદારી ગુનો બને છે અને કારાવાસની સજા પણ થઈ શકે છે.”

પરંતુ તેઓ કહે છે કે, “આપણે અહીં એ યાદ રાખવું જોઈએ કે તેલમાં માનવસ્વાસ્થ્ય માટે જરૂરી એવા મોનો અનસૅચ્યુરેટેડ ફૅટી ઍસિડ (MUFA ), પૉલી અનસૅચ્યુરેટેડ ફૅટી ઍસિડ (PUFA ) અને સૅચ્યુરેટેડ ફૅટી ઍસિડ (SAFA )ની યોગ્ય માત્રા ઊભી કરવા કેટલાંક ખાદ્યતેલોને અન્ય તેલો સાથે મિશ્રણ એટલે કે બ્લૅન્ડ કરવાની કાયદાકીય રીતે છૂટ છે. મોટાભાગે, મોટી કૉર્પોરેટ બ્રાન્ડ્ઝ આ પ્રકારનાં મિશ્રિત તેલ વેચે છે. પરંતુ, આવું મિશ્રણ કરવા ઉમેરાયેલા તેલની માત્રા મૂળ તેલનાં વજનના 20 ટકાથી ઓછી ન હોવી જોઇએ. વળી, લેબલમાં ક્યું તેલ કેટલી માત્રામાં છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો ફરજિયાત છે. જો લેબલમાં એવો ઉલ્લેખ કર્યા વગર આ પ્રકારના મિશ્રણવાળા તેલ વેચવા માટે મૂકવામાં આવે તો તે ભેળસેળ ગણાય. તેથી, ગ્રાહકોની જાગૃતતા બહુ જરૂરી છે."

વાવૈયા ઉમેરે છે, "સિંગતેલમાં મોટાભાગે તેલ ખોરું થઈ જવાની કે ઘટ્ટ થઈ ડબ્બાને તળિયે જામી જવાની ફરિયાદો મળે છે અને અમે તપાસ કરી યોગ્ય પગલાં લઈએ છીએ."

તેઓ કહે છે કે, “પ્રવર્તમાન કાયદા અનુસાર લોટની ચક્કી ચલાવવા માટે પણ FSSAI સાથે નોંધણી કરવી ફરજિયાત છે. તે જ રીતે આવી નાની તેલની ઘાણીઓ માટે પણ FSSAIનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે."

ગુજરાતમાં ખેતી નિયામકની કચેરીના આંકડા અનુસાર, મગફળીના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ ત્રણ લાખ હેક્ટરનો વધારો થયો. આ વર્ષનો વાવેતર વિસ્તાર છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધાયેલ 17.51 લાખ હેક્ટર કરતાં પણ લગભગ 1.5 લાખ હેક્ટર વધારે છે. આ વર્ષના મગફળીના વાવેતર વિસ્તારમાંથી 14.63 લાખ વિસ્તાર તો માત્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં જ નોંધાયો હતો. જેના કારણે સિંગતેલના ઉત્પાદનમાં પણ સીધી અસર થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.