જય શાહની યોજના 'ટુ ટિયર ટેસ્ટ સિસ્ટમ' શું છે અને તેના પર કેમ થઈ રહ્યો છે વિવાદ?
ક્રિકેટના પ્રશાસક હવે ટેસ્ટ ક્રિકેટની સૂરત બદલવાના મૂડમાં છે. ટેસ્ટ ક્રિકેટમાં ટુ ટિયર સિસ્ટમ (દ્વિસ્તરીય સિસ્ટમ) લાવવવાની તૈયારી ચાલી રહી છે.
છ જાન્યુઆરીના રોજ મેલબર્ન એજમાં છપાયેલા એક સમાચારમાં કહેવાયું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઇસીસીના પ્રમુખ જય શાહ ટૂંક સમયમાં ક્રિકેટ ઑસ્ટ્રલિયાના પ્રમુખ માઇક બાયર્ડ અને ઇંગ્લૅન્ડ તેમજ વૅલ્સ ક્રિકેટ બોર્ડ એટલે કે ઇસીબીના પ્રમુખ રિચર્ડ થૉમ્પસનને મળશે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી દાવો કરાયો છે કે આ મહિનાના અંત ભાગ સુધીમાં થનારી આ મુલાકાતમાં ટેસ્ટ ચૅમ્પિયનશિપને બે ટિયરમાં વિભાજિત કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થશે.
2027થી લાગુ થઈ શકે છે નવી સિસ્ટમ
જો 'ટુ ટિયર'ની યોજના મંજૂર થઈ તો ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા અને ન્યૂઝીલૅન્ડ ટીયર - વનમાં હોઈ શકે છે અને વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આયર્લૅન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમો ટિયર-2માં હોઈ શકે છે.
આ યોજના લાગુ કરવા માટે હજુ થોડોક ઇંતેજાર કરવો પડશે, કારણ કે ટૂર પ્રોગ્રામ 2027માં ખતમ થવાનો છે.
ક્રિકેટજગતની મોટી ટીમોની ટક્કર વધુ થાય એ પણ આ યોજનાનો આશય હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન માઇકલ વૉને આ વિચારનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આવું થવું જ જોઈએ. તેમજ ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે 'ટેસ્ટ ક્રિકેટને જીવિત રાખવી હોય તો સર્વશ્રેષ્ઠ ટીમોએ વધુ ને વધુ એકમેક સામે રમવાની જરૂર છે.'
દર્શકોને બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ગમી
હકીકતમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ રમાઈ ગયેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીને ઘણી સફળતા મળી હતી. બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટમૅચની સિરીઝ રમાઈ હતી.
લગભગ બે મહિના સુધી ચાલેલી આ સિરીઝને જોવા માટે ભારે સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા, રિપોર્ટ્સ પ્રમાણે ઑસ્ટ્રેલિયામાં દર્શકોની હાજરી સંદર્ભે આ ચોથી સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ ઇવેન્ટ હતી.
આ સિવાય બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી અત્યાર સુધીની સૌથી વધારે જોવાયેલ ટેસ્ટ સિરીઝ પણ બની. આવી સ્થિતિમાં ટેસ્ટની સારી ટીમોને એકમેક સામે વધુ રમાડવાના મતલબની ચર્ચા થઈ રહી છે.
પૂર્વ ક્રિકેટરોએ શું કહ્યું?
પ્રસ્તાવિત ફેરફારથી એ વાતની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે આનાથી ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી ટીમો વધુ ને વધુ ટેસ્ટમૅચ રમીને ન માત્ર ગેઇમને વધુ લોકપ્રિય બનાવવામાં મદદરૂપ નીવડશે, પરંતુ આનાથી પૈસાનો પણ વરસાદ થશે.
ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલ ક્રિકેટ લીગો આનું સારું ઉદાહરણ છે. આઇપીએલ, બીબીએલ અને ધ હન્ડ્રેડ જેવી લીગ દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે અને તેના કારણે આ દેશોનાં ક્રિકેટ બોર્ડોની આવકમાં પણ જંગી વધારો થઈ રહ્યો છે.
રવિ શાસ્ત્રી કહે છે કે, "મને એ વાત પર દૃઢ વિશ્વાસ રહ્યો છે કે જો તમે ટેસ્ટ ક્રિકેટને જીવિત રાખવા માગતા હો તો તેનો એક જ રસ્તો છે. અને એ એ છે કે ટોચની ટીમો એકમેક સાથે વધુ ને વધુ રમે."
ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન માઇકલ વૉને પણ રવિ શાસ્ત્રીની વાતમાં સૂર પુરાવ્યો છે. ટેલિગ્રાફમાં એક કૉલમમાં તેમણે કહ્યું, "મારું માનવું છે કે હવે ટેસ્ટમૅચ ચાર દિવસ માટે રમાડવી જોઈએ અને દરરોજ ફરજિયાતપણે નાખવાની ઓવરની સંખ્યા પણ નક્કી કરી દેવી જોઈએ. સિરીઝમાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટમૅચ હોય. તેમજ ટેસ્ટ ટીમનાં બે ગ્રૂપ હોય."
વૉને લખ્યું, "મને એ વાત વાંચીને આનંદ થયો કે આઇસીસી વર્ષ 2027થી ટેસ્ટ ક્રિકેટમાં ટુ ટિયર સિસ્ટમ લાવવાની દિશામાં વિચાર કરી રહી છે. આનો અર્થ એ થયો કે હવે ત્રણ વર્ષમાં બે વખત એશેઝ સિરીઝ જોવા મળી શકે છે."
શું પ્રસ્તાવ માટે ધનની લાલચ જવાબદાર છે?
શ્રીલંકાના ભૂતપૂર્વ કપ્તાન અર્જુન રણતુંગાએ કહ્યું કે હું અર્થશાસ્ત્ર સમજું છું.
આનાથી ત્રણ બોર્ડને લાભ થશે, પરંતુ રમત એ પાઉન્ડ, ડૉલર્સ કે રૂપિયા માટે નથી. આ રમત સાથે જોડાયેલા લોકોએ નિશ્ચિતપણે તેને બહેતર બનાવવા માટે કામ કરવું પડશે.
ઇંગ્લૅન્ડ ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર સ્ટીવન ફિને બીબીસી રેડિયો 5ને કહ્યું, "મને નથી લાગતું કે આ વાત ક્રિકેટના હિતમાં છે. હું માનું છું કે આ લાલચ છે. આ ટેસ્ટ ક્રિકેટ જેવી રમતને ખરાબ કરીને મૂકી દેશે."
વેસ્ટ ઇન્ડિઝને પોતાની કપ્તાનીમાં 1975 અને 1979મા વર્લ્ડકપ જિતાડનાર ક્લાઇવ લૉય઼ડે પણ આ પ્લાન સાથે સંમતિ વ્યક્ત નથી કરી.
તેમણે કહ્યું, "આ વાતને અહીં જ રોકી દેવી જોઈએ. આ એ દેશો માટે અત્યંત ખરાબ છે, જેમણે ટેસ્ટ રમનાર દેશનો દરજ્જો હાંસલ કરવા માટે કપરી મહેનત કરી અને હવે તેમણે કમજોર ટીમો સાથે જ રમવું પડશે."
લૉયડે કહ્યું, "આવું થાય તો આવી ટીમો કેવી રીતે ટોચે પહોંચી શકશે? જ્યારે તમે તમારા કરતાં સારી ટીમ સાથે રમો છો ત્યારે તમારા ખેલમાં સુધારો આવે છે. ત્યારે તમને ખબર પડે છે કે તમે ખરેખર કેટલા સારા છો. હું આનાથી વ્યથિત છું."
તેમણે કહ્યું, "સારી વાત તો એ હોત કે ટીમોને સમાનપણે પૈસા મળત, જેથી તેઓ પોતાની રમતમાં નિરંતરપણે સુધારો કરવાની દિશામાં કામ કરે."
એક જમાનામાં વેસ્ટ ઇન્ડિઝનો ટેસ્ટ ક્રિકેટની દુનિયામાં દબદબો હતો. વર્ષ 1980થી 1995 સુધી આ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં અજેય રહી, પરંતુ એ બાદથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ સંઘર્ષ કરતી રહી છે.
આયર્લૅન્ડ અને અફઘાનિસ્તાનને વર્ષ 2017માં ટેસ્ટ પ્લેઇંગ રાષ્ટ્રનો દરજ્જો મળ્યો હતો. તે બાદ તેઓ અમુક વખત તાકતવર ટીમો સામે પણ રમ્યા, પરંતુ પરિણામો આશ્ચર્યચકિત કરી મૂકે તેવાં નહોતાં રહ્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન